bhaskarnew
મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર
ભાસ્કર ઇન્વેસ્ટિગેશનના બે દિવસમાં જ મંત્રી બચુભાઈના પુત્રની ધરપકડ:મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડ એરેસ્ટ, બીજો પુત્ર ફરાર, અમિત ચાવડાએ કહ્યું-CM મંત્રીથી જ ઓપરેશન ગંગાજળ શરૂ કરે
દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે. થોડા દિવસ અગાઉ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા 35 એજન્સી સામે રૂપિયા 71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. દાહોદ Dysp જગદીશ ભંડારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ધાનપુર અને દેવગઢબારિયા મનરેગા કૌભાંડમાં હાલ મંત્રી બચુભાઈ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રી ઓપરેશન ગંગાજળની શરૂઆત એમના મંત્રીથી જ કરે: અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યૂું કે, દાહોદમાં જો તટસ્થ તપાસ થશે તો મોટાં માથા પકડાશે અને 100 નહીં 200 કરોડનો ભ્રષ્ટાચાર સામે આવશે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, સરકાર ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી કરે છે. પરંતુ શરૂઆત એમના મંત્રીઓથી જ કરે. MPમાં મંત્રીનું રાજીનામું નથી લેવાતું, ગુજરાતમાં મંત્રી પુત્ર પર કાર્યવાહી શરૂ એક તરફ કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે વિવાદાસ્પદ નિવેદન કર્યું હોવાછતાં તેનું રાજીનામું લેવાયું નથી. માત્ર એટલું જ નહીં, નિવેદન પર નોંધાયેલી FIRની ભાષા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા મંત્રી વિજય શાહ સામેની FIRને માત્ર ઔપચારિકતા ગણાવી હતી. જ્યારે ગુજરાતમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરી સરકારે અંતે કાર્યવાહી કરી છે. 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ મનરેગાના વર્ષ 2021થી 2025 વચ્ચે થયેલાં કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રૂપિયા 71 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલામાં જુદી જુદી 35 એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ હતી, જેમાં દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. રાજ કન્સ્ટ્રક્શન એજન્સી મંત્રી બચુ ખાબડના દીકરાઓ કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળે છે. આ કેસમાં દિવ્ય ભાસ્કરે 15 મેના રોજ આ કેસમાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કર્યો હતો. એના બે દિવસમાં જ એટલે કે 17મી મેના રોજ મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઈ છે. આ રિપોર્ટમાં સામે આવ્યું કે દાહોદ જિલ્લામાં બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ શ્રી રાજ કન્સ્ટ્રક્શન તથા બીજો દીકરો કિરણ ખાબડ શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે, જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં, જ્યારે બળવંત ખાબડની એજન્સી ધાનપુર તાલુકાનાં ગામડાંમાં સુપર એક્ટિવ છે. એકપણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાનાં બિલ પાસ થઈ ગયા બંનેને દાહોદનાં વિવિધ ગામડાંમાં વિકાસનાં કામ કરવાના નામે કોન્ટ્રેક્ટ મળતા રહ્યા છે. ઘણી જગ્યાએ એકપણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયાનાં બિલ પાસ કરાવી દેવામાં આવ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે આવી ગેરરીતિ વર્ષોથી ચાલતી હતી. સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી અંદાજે 60% રકમ મટીરિયલ માટે ફાળવાય, જ્યારે 40% મનરેગાના મજૂરોના મજૂરીકામ માટે હોય છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ખાબડના બન્ને પુત્રની શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી દાહોદ જિલ્લામાં બચુ ખાબડનો દીકરો બળવંત ખાબડ શ્રી રાજ કંસ્ટ્રક્શન તથા બીજો દીકરો કિરણ ખાબડ શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે. જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં, જ્યારે બળવંત ખાબડની એજન્સી ધાનપુર તાલુકાના ગામડાઓમાં સુપર એક્ટિવ છે. બંનેને દાહોદના વિવિધ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે. તેઓ મનરેગા હેઠળ મંજૂર થતા કામોમાં માલ-સામાન ઉપલબ્ધ કરાવતા હતા. સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી અંદાજે 60% રકમ મટિરિયલ લેવા માટે ફળવાય, જ્યારે 40% મનરેગાના મજૂરોના મજૂરીકામ માટે હોય છે. બચુ ખાબડના બંને દીકરાની એજન્સી સહિત 35 એજન્સીઓએ મનરેગાના કામોમાં ગેરરીતિ કર્યા હોવાના આરોપ લાગ્યા હતા. ત્યાર બાદ પ્રાથમિક તબક્કે મળેલા રિપોર્ટમાં ગેરરીતિ ખુલ્લી પડી હતી. આ એજન્સીઓએ માલ-સામાન આપ્યા વગર જ લાખો રૂપિયાના બિલ મૂકી દીધા હતા અને આ બિલ પાસ પણ થઈ ગયા હતા. આમ, વિકાસના નામે કામ થયા વગર જ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યો હતો. કિરણ અને બળવંત ખાબડે આગોતરા જામીન અરજી કરી હતી આ કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ દેવગઢ બારિયાની 28 અને ધાનપુરની 7 મળી કુલ 35 બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને 71 કરોડ રૂપિયાની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે, જો કે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ ફરિયાદમાં એજન્સીના માલિકોનાં નામ જાહેર કરાયાં નથી, પણ લિસ્ટમાં પોતાની એજન્સીનું નામ હોવાથી મંત્રી બચુભાઈ ખાબડના બે દીકરાએ દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો. અચાનક જ આગોતરા જામીન અરજી પાછી ખેંચી, હવે પોલીસ પકડમાં આ અરજી પર અગાઉ 9મી મેના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ સુનાવણી થઈ શકી નહોતી. વધુ સુનાવણી માટે 13મી મેની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સોમવારે 12મી મેના રોજ એટલે કે આગોતરા જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલાં બળવંત અને કિરણ ખાબડે આગોતરા જામીન અરજી આશ્ચર્યજનક રીતે પાછી ખેંચી લીધી હતી. ત્યાર બાદ આજે એટલે કે 17મી મેના રોજ બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મોટા માથા સંડોવાયેલા હોવાછતાં સરકારે પગલાં ન લીધા: અમિત ચાવડા આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર બની ગયો છે. જેના હાથમાં સત્તા છે અને જેના પર પારદર્શક વહીવટની જવાબદારી છે ત્યારે એ જ લોકો અને એમના મળતિયા ભ્રષ્ટાચારમાં ઝડપાઈ ત્યારે ગુજરાતમાં કોટવાલ જ ચોર છે એવી સ્થિતિ છે. સ્થળ પર કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે. તેમાં મોટા માથા સંડોવાયેલા છે પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો અને વારંવાર લેખિત-મૌખિક રજૂઆત કરી ત્યારે સરકાર જાગી છે. આ તપાસ નાટક પૂરવાર ન થાય અને ભીનું ન સંકેલવાનો પ્રયાસ ન થાય. આ પ્રજાના પરસેવાના પૈસા છે. સરકારે નિષ્ઠાવાન અધિકારીઓની SIT બનાવવી જોઇએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલની દાહોદથી ગાંધીનગર બદલી બીજી તરફ બદલીનો દોર પણ શરૂ થઈ ગયો છે. આ કથિત કૌભાંડમાં ફરિયાદી બનેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલની દાહોદથી ગાંધીનગર બદલી કરી દેવામાં આવી છે. આમ, જ આશ્ચર્યજનક રીતે તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાઠવાની પણ બદલી થઈ ચૂકી છે. આ કેસની વિભાગીય તપાસ ડીડીઓ સ્મિત લોઢા કરી રહ્યા છે. ખાબડની કેબિનેટની બેઠકમાં ગેરહાજરીની ચર્ચા નોંધવા જેવી વાત એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી બચુ ખાબડ કેબિનેટ બેઠકમાં હાજરી નથી આપી રહ્યા. નજીકના જાણકારો તો એમ પણ કહે છે કે તેઓ સરકારી ગાડીનો ઉપયોગ પણ ટાળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે બચુભાઈ ખાબડનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિઉત્તર હજુ સુધી મળ્યો નથી. કોણ છે બચુ ખાબડ? દેવગઢ બારીયા બેઠક પરથી 44 હજાર મતોથી જિતેલા બચુભાઈ મગનભાઈ ખાબડ મુળ દાહોદ જિલ્લાના ઘાનપુર તાલુકાના પીપેરો ગામના વતની છે. જેમણે ઓલ્ડ એસ.એસ.સી સુધી અભ્યાસ કર્યો છે. જે ખેતી, સામાજીક સેવા અને શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બચુ ખાબની પીપેરો ગામના સરપંચથી લઇને રાજ્યકક્ષાના મંત્રી સુધીની રાજકીય સફર પર નજર કરીએ તો તેઓ 15 વર્ષ સુધી તેમના ગામ પીપેરોના સરપંચ રહ્યા હતા. ત્યારબાદ લીમખેડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. જે બાદ ઘાનપુર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. 6 વર્ષ સુધી દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રહ્યા હતા. પ્રમુખ તરીકેની કામગીરી દરમિયાન દાહોદ જિલ્લાની 6 માંથી 6 વિધાનસભાની બેઠકો જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. બચુભાઇ ખાબડ 2002, 2012, 2017 અને 2022માં દેવગઢ બારીઆ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. તેમજ આનંદીબેન પટેલ અને રુપાણી સરકારમા પણ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. જોકે, 2021માં આખી રૂપાણી સરકાર બદલાઇ ત્યારે તેમને પડતા મુકવામા આવ્યા હતા. ત્યાર બાદ 2022માં ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમા તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
2500 કરોડના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડનો મોટો ખેલાડી ઝડપાયો:સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ, શું છે બિલ્ડરોએ આચરેલું 5 લાખ ચો.મી. જમીન વેચવાનું સ્કેમ?
સુરતમાં જાન્યુઆરી-2025માં ચર્ચાસ્પદ બનેલા 2500 કરોડના સાયલન્ટ ઝોન કૌભાંડ કેસમાં CID ક્રાઇમે નાસતા ફરતા સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની મહારાષ્ટ્રના પુણે શહેરથી ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટા ખુલાસાઓની શક્યતા CID અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરાયાં હતાં. જમીન નીતિ મુજબ જ્યાં કોઈપણ પ્રકારનો વિકાસ શક્ય નહોતો એવા સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું. સમગ્ર કૌભાંડમાં અનંત પટેલની મહત્ત્વની ભૂમિકા આ સમગ્ર કૌભાંડમાં અનંત પટેલનું નામ ખૂબ જ અગત્યનું છે. તેમણે તેમના અધિકારીઓના પદનો દુરુપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં સહાય કરવાનું તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. પોલીસ ફરિયાદ અને તપાસની પ્રક્રિયા જમીનકૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝિશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મળ્યા બાદ સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. CID ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી અનંત પટેલને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે. શું છે સાયલન્ટ ઝોન કૌભાંડ? સુરતના જાણીતા બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે સાયલન્ટ ઝોનની 2500 કરોડ રૂપિયાની અંદાજિત 5 લાખ ચોરસ મીટર જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી તેનું વેચાણ કર્યાના ખુલાસા થયા હતા. આ કૌભાંડમાં 2,500 કરોડ રૂપિયાની જમીન ધંધો કરી લાભ લેવા કાવતરું રચ્યું હતું. બિલ્ડરોની આ મંડળીએ 135 બોગસ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને સરકારી જમીનને ખાનગી મિલકત તરીકે દર્શાવી વેચાણ કર્યું હતું. જે મામલે CID દ્વારા 3 જાન્યુઆરી, 2025ના રોજ FIR નોંધવામાં આવી હતી. બિલ્ડર નરેશ શાહ, તેમની પત્ની મીનાબેન શાહ અને પુત્ર અભિષેક શાહના નામે બનાવાયેલા બોગસ પ્રોપર્ટી કાર્ડ અંગેની વિગત સામે હતી. જેમાં 'સમૃદ્ધિ કોર્પોરેશન'ના નેજા હેઠળ બિલ્ડર નરેશ શાહ અને તેમના ભાગીદારો મનહરભાઈ કાકડીયા, લોકનાથ લોરેન્દમલ ગંભીર, જયપ્રકાશ ખાનચંદ અને આસ્વાની ઉર્ફે પ્રકાશ આસ્વાનીએ ગેરકાયદેસર પ્લોટ વિતરણ કરી કરોડો રૂપિયાની રોકડની કમાણી કરી છે. જે મામલે ખેડૂત આઝાદભાઈ રામોલીયાએ 24 જૂન 2024ના રોજ CID ક્રાઇમમાં અરજી કરી હતી. આ ગુનામાં સમૃદ્ધિ કોર્પોરેશન પેઢીના બિલ્ડર નરેશ શાહ 40 ટકાના ભાગીદાર છે, જ્યારે મનહર કાકડીયા, લોકનાથ ગંભીર અને જયપ્રકાશ અશ્વાની 20-20 ટકાના ભાગીદારો છે. આ ભાગીદારોની નોટરી કરાવેલી પાર્ટનરશિપ ડીડ સામે આવી હતી, જે 21મી ફેબ્રુઆરી 2004ની છે. અનંત પટેલ પર બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના આરોપો નરેશ શાહે પોતાની પત્ની મીનાબેન શાહ અને પુત્ર અભિષેક શાહના નામે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીનનું ગેરકાયદેસર વેચાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ કાર્ડ દ્વારા તેઓએ સાયલન્ટ ઝોનમાં ખુલ્લી કરાયેલી જમીન પર બાંધકામ માટે મંજૂરી મેળવી હતી જે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું. જેમાં સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીના વર્ગ 1 અધિકારી કાના લાલ ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી કર્મચારી અને સમૃદ્ધિ કોર્પોરેશનના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. CIDથી લઇ મુખ્યમંત્રી સુધી અરજી કરી હતી ફરિયાદી આઝાદ રામોલિયાએ CID ક્રાઇમથી લઇ મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરેલી અરજીમાં સમૃદ્ધિ કોર્પોરેશન ભાગીદારી પેઢીના ભાગીદારો નરેશ નેમચંદ શાહ (રહે- અભિષેક બંગલો, અશ્વિન મહેતા પાર્ક પાસે, અઠવાલાઇન્સ), મનહર મુળજીભાઇ કાકડિયા (રહે- સીટીલાઇટ સોસાયટી, ઉમરા), લોકનાથ લોરેન્દામલ ગંભીર (રહે- સાયલન્ટ ઝોન, ડુમસ), જયપ્રકાશ ખાનચંદ આસવાણી (રહે- સાયલન્ટ ઝોન, ડુમસ), મીનાબેન નરેશ શાહ (રહે- અભિષેક બંગલો, અઠવાલાઇ ન્સ), હિતેશ મહાસુખલાલ દેસાઇ (રહે- મણિપુષ્પક સોસાયટી, દેલાડ, ઓલપાડ), સીટી સર્વેયર ઓફિસર કાનાલાલ પોસ્લા ગામીતને આરોપી બનાવ્યા હતા. 6 મહિનાની તપાસના અંતે FIR નોંધાઈ હતી આરોપીઓએ મહત્તમ નફો મેળવવા માટે સરકારી જમીન પર નકલી સર્ટિફિકેટ અને પ્રોપર્ટી કાર્ડ બનાવી કૌભાંડ કર્યું હતું. જે મામલે ખેડૂત આઝાદભાઈ રામોલીયાએ 24 જૂન 2024ના રોજ CID ક્રાઇમમાં અરજી કરી હતી, જેમાં 'સમૃદ્ધિ કોર્પોરેશન'ના તમામ ભાગીદારોના નામ દર્શાવ્યા હતા, પરંતુ 6 મહિનાની તપાસ બાદ નોંધાયેલા FIRમાં સમૃદ્ધિ કોર્પોરેશનના કેટલાક ભાગીદારોના નામ ગાયબ હોવાનો આરોપ આઝાદભાઈ દ્વારા કરાયો છે . આ પણ વાંચો: 2500 કરોડનું ડુમસ જમીનકૌભાંડ, પાર્ટનરશિપ ડીડમાં ખુલાસો: સમૃદ્ધિ કોર્પો.માં બિલ્ડરો નરેશ શાહ 40% ને મનહર કાકડિયા 20%ના ભાગીદાર; પરિવારની પૂછપરછ, સરકારી કર્મચારીઓ પર શંકા
દેશના 2400 ટ્રાવેલ એજન્ટ પહેલગામને પ્રમોટ કરશે:પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીર જઈ CM ઓમરને મળશે, 'Let's visit JK' કેમ્પેન શરૂ કર્યું
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે તેના ટૂરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા Let's visit J and K કેમ્પેન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સૌપ્રથમ દેશના 2400 ટ્રાવેલ એજન્ટનું પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીર જશે અને ત્યાંના ટૂરિઝમ ઉદ્યોગને પ્રમોટ કરશે. ટૂરિસ્ટો ત્યાં કોઈપણ જાતના ડર વિના શાંતિપૂર્વક ફરી શકે એ માટે સુરક્ષાની ખાતરી અંગે ત્યાંના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ બેઠક કરવાનું આયોજન કરાયું છે. ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાની પહેલ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બર ગોપાલ ઉનડકટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ એસોસિયેશન વર્ષ 1951થી ચાલી રહ્યું છે, જેમાં દેશભરના 2400 ટ્રાવેલ એજન્ટ સંકળાયેલા છે. અમારા એસોસિયેશનને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. અમારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમે જમ્મુ-કાશ્મીરના ઠપ થયેલા ટૂરિઝમને જીવંત કરવા માટે Let's visit JK' કેમ્પેન હાથ ધરવામાં આવશે. ટ્રાવેલરોને જમ્મુ અને કાશ્મીર ફરવા માટે વિનંતી કરીશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલગામ હુમલો અને ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે જમ્મુ-કાશ્મીરનો ટૂરિઝમ ઉદ્યોગ ઠપ થઈ ગયો, એને સપોર્ટ કરવા માટે આ કેમ્પેન હાથ ધરવામાં આવશે. ત્યાંના ટૂરિઝમ, હોટલધારકો, ટેક્સી ઓપરેટરો તેમજ ગાઈડ સહિતનાને સપોર્ટ કરવા માગીએ છીએ. જમ્મુ અને કાશ્મીર ભારતનાં શ્રેષ્ઠ સુંદર ફરવાનાં સ્થળોમાંનું એક છે. પહેલગામ, શ્રીનગર, ગુલમર્ગ સહિતનાં સ્થળોને પ્રમોટ કરીશું. આ માટે આવતા મહિને અમે તમામ ટ્રાવેલ એજન્ટો જમ્મુ-કાશ્મીર જવાના છીએ. અમે તમામ ટ્રાવેલરોને જમ્મુ અને કાશ્મીર ફરવા માટે વિનંતી કરશું. આ રીતે અમે એ બતાવવા માગીએ છીએ કે અમે જમ્મુ અને કાશ્મીર સાથે ઊભા છીએ. કાશ્મીરના મુખ્યમંત્રી સાથે પણ બેઠકનું આયોજન તેઓ કહે છે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 15 દિવસથી પહેલગામ હુમલા અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે ટૂરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આ માટે અમે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીને પણ મળીશું અને એ વાતની ખાતરી કરીશું કે ત્યાં પૂરેપૂરી સિક્યોરિટી છે અને ટૂરિસ્ટો શાંતિપૂર્વક ત્યાં ફરી શકે છે. અમે સૌપ્રથમ પહેલગામને પ્રમોટ કરવા માગીએ છીએ કે જ્યાં આતંકવાદી હુમલો થયો. આ ઉપરાંત ગુલમર્ગ, શ્રીનગર અને સોનમર્ગ સહિતના હરવાફરવાનાં સ્થળોએ અમે જઈશું અને ત્યાં લોકો ફરવા માટે આવે એ માટે પ્રમોટ કરીશું. ખાસ કરીને સ્થાનિક જમ્મુ અને કાશ્મીરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો છે એ ખૂબ જ નિંદનીય છે, જેથી અમે ત્યાં જઇશું અને લોકોને જમ્મુ-કાશ્મીર ફરવા પ્રેરિત કરીશું.
સિક્યોરિટી એજન્સીના માલિકની અપહરણ બાદ હત્યા:રૂ.3 કરોડની ખંડણી માગી, મીઠીખાડીમાંથી કોથળામાં ભરેલી બે ટુકડામાં લાશ મળી, રાશિદ રિક્ષાવાળો રહસ્ય ખોલશે?
સુરતમાં સિક્યોરિટી એજન્સીના માલિકનું અપહરણ કરાયા બાદ હત્યા કરી દેવાતાં ચકચાર મચી છે. પાંચ દિવસ પહેલાં અપહરણ થયા બાદ અપહરણકારોએ પરિવારજનો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. અપહરણના પાંચમા દિવસે એટલે કે 16 મેના રોજ મીઠીખાડી વિસ્તારમાંથી સિક્યોરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની બે ટુકડામાં કોથળામાં પેક કરેલી લાશ મળી હતી. ચંદ્રભાનને રિક્ષામાં લઈ જનારા રાશિદ પર પોલીસને શંકા છે. સુરત સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર પહોંચેલા મૃતકનાં પરિવારજનોમાં આક્રંદનો છવાયો હતો. મૃતકનાં પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી પર સવાલો ઊભા કરી નારાજગી વ્યકત કરી હતી. 12 તારીખે રિક્ષામાં ગયા બાદ ગાયબ હતા સુરતમાં ચંદ્રભાન માતાપ્રસાદ દુબે નામની વ્યક્તિ સિક્યોરિટી એજન્સી ચલાવે છે અને 12 મે 2025ના રોજ ચંદ્રભાન પોતાના રિક્ષા-ડ્રાઇવર રાશિદ સાથે ગયા હતા અને ત્યાર બાદ પરત આવ્યા નહોતા. 12 મેના રોજ રાત્રે 8 વાગ્યા બાદ ચંદ્રભાન ગુમ થયા હોવાના કારણે આ બાબતે પરિવારના સભ્યો દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મૃતકના મોબાઈલ પરથી ત્રણ કરોડની ખંડણી માગવામાં આવી હતી અલથાણ પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ અપહરણ બાદ ચંદ્રભાન દુબેના મોબાઈલ પરથી પરિવારના સભ્યો પાસેથી ત્રણ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી. તો બીજી તરફ પરિવારના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રભાન દુબે છેલ્લે રાશિદ નામના રિક્ષાચાલક સાથે ગયા હતા અને ત્યાર બાદ તેઓ પરત આવ્યા નથી. બીજી તરફ રાશિદ અન્સારી નામના રિક્ષાચાલક દ્વારા પરિવારના સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે ચંદ્રભાન ખજોદ ચોકડી પર રિક્ષામાંથી ઊતરી ગયા હતા અને ત્યાર બાદ કયા ગયા છે એની તેને ખબર નથી. મીઠીખાડીમાંથી બે ટુકડામાં કોથળામાં રાખેલી લાશ મળી ચંદ્રભાન ગુમ થયા બાદ ચાર દિવસ પછી મીઠીખાડીમાંથી બે ટુકડામાં કોથળામાં ભરેલી લાશ મળી આવી હતી. ત્યારે બીજી તરફ રાશિદ પણ કોઈ વ્યક્તિઓના સંપર્કમાં ન હોવાથી પોલીસ પણ રાશિદ પર આશંકા વ્યક્ત કરી રહી છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય તપાસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી આ સમગ્ર ઘટનાને લઇ ચંદ્રભાનના પરિવારના સભ્યો દ્વારા રાશિદ પર ચંદ્રભાન દુબેના અપહરણની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે રાશિદ ચંદ્રભાનના પરિવારના સભ્યોને વીડિયો કોલ કરી પોતાનું લોકેશન અન્ય રાજ્યોનું દર્શાવતો હોવાનું પણ ધ્યાન આવે છે, જોકે હાલ આ રાશિદ કોઈ વ્યક્તિઓના સંપર્કમાં નથી. તેથી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી ચંદ્રભાનની હત્યા કરનારા અને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. મૃતકના ભત્રીજાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા મૃતક ચંદ્રભાનના ભત્રીજા નેહાલ દુબેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે કેસ 6 કલાકમાં સોલ્વ થઈ જવો જોઈતો હતો એ થવામાં પાંચ દિવસ લાગ્યા. પોલીસે 12 કલાક તો જ્યુરિડિક્શન નક્કી કરવામાં કાઢી નાખ્યા. આવી લાપરવાહી ન થવી જોઈએ. પોલીસે પ્રોફેશનલિઝમ બતાવવું જોઈએ. મૃતક છેલ્લાં 20 વર્ષથી સિક્યોરિટી એજન્સી ચલાવતા હતા.
'હવે ચીનનાં રડાર અને તુર્કીનાં ડ્રોન કોઈ નહીં લે':ટ્રમ્પને કૂદી પડવાની આદત છે, રિટાયર્ડ મેજર જનરલે 'ન્યૂ નોર્મલ'ની અંદરની વાત જણાવી
'આતંક વિરુદ્ધ ભારતની લક્ષ્મણરેખા હવે એકદમ સ્પષ્ટ છે. હવે જો કોઇ ટેરર એટેક થયો તો ભારત જવાબ આપશે અને પાક્કો જવાબ આપશે. અમે સર્જિકલ સ્ટ્રાઇક સમયે જોયું છે, એર સ્ટ્રાઇક સમયે જોયું છે અને હવે ઓપરેશન સિંદૂર ભારતનું 'ન્યૂ નોર્મલ' છે.' આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના. ઓપરેશન સિંદૂર સફળ રીતે પૂર્ણ થયા પછી વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ ગયા હતા અને ત્યાં જવાનોને સંબોધન કરતી વખતે તેમણે આ શબ્દો કહ્યા હતા. એટલું જ નહીં, તેમણે સીઝફાયર બાદ કરેલા રાષ્ટ્ર જોગ સંબોધનમાં પણ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એના કારણે 'ન્યૂ નોર્મલ' શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં આ 'ન્યૂ નોર્મલ' છે શું? પાકિસ્તાન સાથેના સંબંધોમાં 'ન્યૂ નોર્મલ'થી ભારત કેવી રીતે બદલાવ લાવશે? આતંકવાદ સામેની ભારતની આ લડાઇ ચીન, અમેરિકા સહિત વિશ્વના દેશોએ જોઇ છે ત્યારે હવે ભારતે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઇએ? પાકિસ્તાન સામેની લડાઇમાં ભારતને જમીન સ્તર પર કેવી-કેવી મુશ્કેલીઓ આવે છે? આવા અનેક પ્રશ્નો અંગે દિવ્ય ભાસ્કરે નિવૃત્ત મેજર જનરલ અને ડિફેન્સ એક્સપર્ટ હર્ષા કકરનો એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ કર્યો છે. સવાલઃ ભારત પાકિસ્તાન બોર્ડર પર તંગ માહોલ જોવા મળ્યો હતો. તમે એને કેવી રીતે જોઇ રહ્યા છો? જવાબઃ પહેલગામમાં જે થયું એ ખૂબ જ ખોટી કાર્યવાહી હતી. પાકિસ્તાનને જવાબ સિંધુ જળ સંધિ વિરુદ્ધ જઇને અપાય કે પછી ડિપ્લોમેટિક રીતે કે પછી ઇકોનોમિકલ રીતે. છેલ્લે મિલિટરી એક્શન થાય. આ બધી રીતનો ગવર્નમેન્ટનો એપ્રોચ હતો. એનાથી આપણે પાકિસ્તાનને ખૂબ જ ક્લિયર મેસેજ આપવા માગતા હતા કે અમે તમને એક બાજુએથી જ નહીં, પરંતુ ચારેય બાજુએથી ઘેરી શકીએ છીએ. મૂળ આશય તો સિંધુ જળ સંધિ અને ટ્રેડનો છે. જ્યારે પાકિસ્તાન સાથેનો વેપાર બ્લોક કરવામાં આવશે ત્યારે તેની પણ ઇમ્પેક્ટ આવશે. જે સીધી જ ત્યાંના સામાન્ય નાગરિકો પર આવશે. જ્યાં સુધી પાકિસ્તાનના લોકો જ પાકિસ્તાનની આ નીતિ સામે ઊભા નહીં થાય ત્યાં સુધી આ બદલાવ આવવાનો નથી. પાકિસ્તાની મિલિટરીને મેસેજ આપવો ખૂબ જ જરૂરી હતો, કેમ કે તેઓ ટેરરિઝમને સપોર્ટ કરે છે. ISI કાગળ પર તો પાકિસ્તાનના વડાપ્રધાનની નીચે છે, પણ રિયાલિટી જોઇએ તો તેઓ આર્મીના ચીફની નીચે છે. સવાલઃ પાકિસ્તાનને મદદ કરવાવાળા દેશો અંગે ભારતનું શું વલણ હોવું જોઇએ? જવાબઃ પાકિસ્તાન સાથે 3 દેશ- ચીન, તુર્કી અને અઝરબૈજાન છે. ભારતીય લોકોએ ટૂરિઝમ બ્લોક કરીને માલદીવ્સને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. હવે ટ્રેડ અને ટૂરિઝમથી તુર્કીને પણ અસર કરી શકાય એમ છે. અઝરબૈજાન ફક્ત સપોર્ટ કરી શકે છે. જેમ ઇરાન હિઝબુલ્લાહનો ઉપયોગ કરતું હતું એમ ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. ભારતનું ટેન્શન ડાઇવર્ટ કરવા માટે ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. ચીન અને તુર્કીને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે તેમનાં હથિયારો ફેલ થઇ ગયાં. તેમનાં હથિયારો ફેલ થવાથી ભારતની આકાશ, બ્રહ્મોસ જેવી મિસાઇલો અને રશિયાની S-400 જેવી સિસ્ટમની માગ વધી જશે. આ ફેરફારોની વધુ અસર થઇ રહી છે. ચીન અને તુર્કીનાં હથિયારોના વેચાણ પર ઘણી અસર થશે. સવાલઃ તમારા મતે ન્યૂ નોર્મલની પરિભાષા શું છે? જવાબઃ આનો અર્થ એ છે કે એવી પરિસ્થિતિ જે પહેલાં કરતાં અલગ છે અને હવે સામાન્ય બની ગઇ છે, ખાસ કરીને કોઇ મોટી ઘટના કે પરિવર્તન પછી. 'ન્યૂ નોર્મલ' એ સ્પષ્ટ મેસેજ છે. આ વખતે આપણા વડાપ્રધાને પણ સ્પષ્ટ કરી દીધું છે. 2019માં જ્યારે બાલાકોટની ઘટના બની હતી ત્યારે આપણે સ્પષ્ટ નહોતું કર્યું કે જો આતંકી હુમલો થશે તો અમે સ્ટ્રાઇક કરીશું. માત્ર ટેરરિસ્ટ હબ પર જ નહીં, ત્યાં પણ હુમલો કરીશું. આ વખતે આપણે એક્સપાન્ડ કર્યું અને પહેલા દિવસે ટેરરિસ્ટને હિટ કર્યા અને તેમાં પણ તેમનાં જેટલાં પણ ટ્રેનિંગ સેન્ટર હતાં, જે ખાલી નહોતાં થયાં એ બધાં જ મોનિટરિંગમાં હતાં. એ પછી આપણા DGMOએ પાકિસ્તાનના DGMOને મેસેજ મોકલ્યો વાત નહોતી કરી. માત્ર મેસેજ કર્યો કે અમે ટેરરિસ્ટ સેન્ટરને હિટ કર્યાં છે, તમને નહીં. જ્યારે તેમનો રિસ્પોન્સ આવ્યો ત્યારે આપણે ક્લિયર કરી દીધું કે માત્ર ટેરરિસ્ટને જ નહીં, પણ જે લોકો ટેરરિસ્ટને સપોર્ટ કરે છે તેમને પણ અમે હિટ કરીશું, જે આપણે કરીને બતાવ્યું છે. એક ક્લિયર લાઇન અત્યારે આવી ગઇ છે કે અમે માત્ર ટેરરિસ્ટને જ નહીં, પણ તેમના સપોર્ટર્સને પણ હિટ કરીશું. આવી પરિસ્થિતિમાં જો ન્યૂક્લિયર બ્લેકમેલ કરવાની કોશિશ કરી તો એની અમારા પર કોઇ જ અસર નહીં થાય. એટલે આ જે નોર્મલ ભારતે ક્લિયર કર્યું છે એટલે ક્યાંય પણ ટેરરિસ્ટ સ્ટ્રાઇક થશે તો પછી આપણી આર્મી એનો જવાબ આપશે જ. સવાલઃ શું ઓપરેશન સિંદૂર ભારતની 'ન્યૂ નોર્મલ' નીતિનું પ્રતિબિંબ છે? જવાબઃ ભારતે જ્યારે એક્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે કેટલાક ક્લિયર રિસ્ટ્રિક્શન્સ હતાં, જે ભારતને કન્ટ્રોલમાં રાખી રહ્યાં હતાં. એ રિસ્ટ્રિકશન્સ ખાસ કરીને પાકિસ્તાનનું ન્યૂક્લિયર રિસ્ટ્રિકશન્સ હતું. કારગિલ વોર જુઓ તો એ સમયે વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે પણ તેમણે ક્લિયર રૂલિંગ કર્યું હતું કે આપણે LOC ક્રોસ નહીં કરીએ, કેમ કે એ સમયે પાકિસ્તાન ન્યૂક્લિયર હુમલાની ધમકી આપતું હતું. હવે ક્યાંક ને ક્યાંક જો એક્શન લેવી હોય તો કેવી રીતે એક્ટ કરશો અને કેવી રીતે મેસેજ આપશો? આવી પરિસ્થિતિમાં ભારતનો મેસેજ સ્પષ્ટ હતો કે અમે પાકિસ્તાનનું બધું જ ડેમેજ કરી શકીએ છીએ. અમે પાકિસ્તાનની જમીન નથી લીધી, દેશ નથી તોડ્યો છતાં એ સ્પષ્ટ કરી દીધું કે જો તમે ન્યૂક્લિયર ધમકી આપશો તો એની કોઇ જ અસર નહીં થાય. ભારતનો એ સ્પષ્ટ સંદેશ હતો કે આ અમારું 'ન્યૂ નોર્મલ' ભારત છે. તમારી ન્યૂક્લિયર ધમકી અમારા પર ચાલશે નહીં. અમારે જે કરવું છે એ અમે કરીને રહીશું. સવાલઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સૈન્ય લડતું જોવા મળી રહ્યું છે. જ્યારે પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમામાં રહીને એટેક કરવામાં આવી રહ્યા છે. આવું પહેલીવાર થઇ રહ્યું છે, શું કહેશો? જવાબઃ આજે ટેક્નોલોજીનો બધી જ જગ્યાએ ઉપયોગ થઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાને રશિયા યુક્રેન સહિતના ચાલી રહેલાં યુદ્ધોમાંથી શીખ મેળવી છે, સાથે જ આજે ટેક્નોલોજી એટલી આવી ગઇ છે કે જ્યાં સુધી તમે ટેક્નોલોજીનો સમાવેશ નહીં કરો બેકિંગ ફિલ્ડમાં તો ફોર્સ ઓન અનફોર્સ રહેશે. આજનો યુગ એવો છે કે સામેવાળાને ડિસ્ટન્સથી એન્ગેજ કરીશું, ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીશું. ડિફેન્સ ફોર્સિસ, સિવિલ કંપનીઓ અને DRDO સાથે એ જ તાલમેલ કરવામાં આવી રહ્યો હતો કે આપણે ટેક્નોલોજી ડોમિનેટેડ ઇક્વિપમેન્ટ જોઇશે. ઇઝરાયલ-હમાસનું યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધ એ ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જે હજી સુધી ખતમ નથી થયું, પરંતુ આપણું આ યુદ્ધ એ કોઇ પ્રદેશ લેવા માટેનું નહોતું. ભારત પાકિસ્તાનના આ યુદ્ધમાં એટલું ક્લિયર હતું કે ભારતે એક મેસેજ આપવાનો છે અને એ મેસેજ થકી બતાવવું છે કે જો હવે આગળ કંઇ થયું તો અમે વધુ કાર્યવાહી કરીશું. એના માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડે છે એટલે આ ફરક છે આપણામાં અને બાકીઓમાં. સવાલઃ શું તમને લાગે છે કે ભારતની 'ન્યૂ નોર્મલ' નીતિ આવનારા દિવસોમાં પાકિસ્તાનમાંથી આતંકવાદ ખતમ કરવામાં સફળ રહેશે? જવાબઃ ભારત અને પાકિસ્તાન પાસે પોતપોતાના વિચારો છે, પણ એટલું ક્લિયર છે કે આપણે તૈયાર રહેવાનું છે, કેમ કે કંઇ જ ખબર નથી કે પાકિસ્તાન આને અપનાવશે કે નહીં, એક્ટ કરશે કે નહીં કરે. આ તેમની તરફથી કહેવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે બે અલગ અલગ માઇન્ડસેટ્સ છે. માત્ર તમે એટલી વાત યાદ રાખો કે જો તમે કોઇને એક ખૂણામાં ઊભા રાખીને તેના પર પ્રેશર લાવવાનો પ્રયત્ન કર્યો તો ક્યાંક ને ક્યાંક રિએક્ટ થવાનું જ છે. ભારતે એ ન કર્યું. ભારતે એટલું પ્રેશર નાખ્યું અને એ પછી એને પાછું ખેંચી લીધું. જો તેમને એવું લાગશે કે તેમણે બહુ માર ખાધો છે તો તે કંઇક એક્શન કરશે. બીજું કે જો તેમને એવું લાગે કે અમે કંઇક કરીશું તો હજી વધારે નુકસાન થશે અને એમાંથી બચવું મુશ્કેલ બનશે તો તેઓ કંઇ નહીં કરે. સવાલઃ ટ્રમ્પે પહેલા ટ્વીટ કરીને કહ્યું કે અમે યુદ્ધ રોકવામાં સફળ રહ્યા અને પાંચ દિવસ પછી સ્ટેટમેન્ટ બદલ્યું કે અમે ખાલી મદદ કરી છે આ બાબતને કેવી રીતે જોઇ રહ્યા છો? જવાબઃ ટ્રમ્પની તો આદત છે, બધી જગ્યાએ છલાંગ મારીને વાત કરવાની. આજે ઇરાન સાથે વાતચીત ચાલી રહી છે તો કહે છે કે અમે તમારી સાથે છીએ. હજી તો 10 રાઉન્ડ બીજા થવાના છે. ટ્રમ્પની બીજી આદત છે ક્રેડિટ લેવાની, આ બધા જ જાણે છે. આ કોઇ નવી વાત નથી. ભારતના વડાપ્રધાન દેશને કરેલા સંબોધનમાં એવું કહે છે કે અમે મિલિટરી ટુ મિલિટરી વાતચીત કર્યા પછી સીઝફાયર કર્યું છે. આમાં કોઇનું ઇન્ફ્લ્યુઅન્સ નથી. વડાપ્રધાને નામ લેવાની પણ જરૂર ન પડી. આનાથી મોટું ટ્રમ્પનું અપમાન બીજું શું હોઇ શકે. સવાલઃ ભારતીય સૈન્યને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ પર કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે? જવાબઃ આપણા સૈન્યને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ નથી પડી. આપણે બધી જ રીતે તૈયાર છીએ. જો પાકિસ્તાન એક ગોળી છોડશે તો સામે 10 ગોળી છોડવામાં આવશે. ભારત તેને હચમચાવી નાખશે. પાકિસ્તાનને એ પણ ખબર છે કે ભારતની અંદર કંઇપણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. જો LOCને જુઓ તો ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલ આવેલું છે. કેટલાક ભાગમાં નદી પણ છે. ત્યાં ગમે તેટલી ફેન્સિંગ લગાવો પણ ક્યાંક ને ક્યાંક ગેપ રહી જાય છે. તેમને 100 ટકા રોકવા અશક્ય છે. આ એક ચેલેન્જ છે. જો તેમને બોર્ડર પર રોકી દેવામાં આવે છે ત્યારે એટલું નક્કી થઇ જાય છે કે તે પાકિસ્તાનના જ છે. બીજું કે જ્યારે પણ કોઇ આતંકી હુમલો થાય છે ત્યારે ત્યાં પહાડો જ એવા છે કે ઓપરેટ કરવું અઘરું હોય છે, સાથે જ એ વિસ્તાર એવો છે જેના કારણે આતંકવાદીઓને લાભ મળે છે. એના કારણે જાનહાનિ થાય છે. આ જે પડકારો છે તે રહેશે જ. સવાલઃ શું 'ન્યૂ નોર્મલ' નીતિ થકી ભારત-પાકિસ્તાન વચ્ચે ભવિષ્યમાં શાંતિની કોઇ સંભાવના દેખાઇ રહી છે? કેમ કે નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે જો હવે કોઇ હરકત થશે તો તેનો જડબાંતોડ જવાબ મળશે. જવાબઃ મિલિટરી ઓપ્શન એક ક્લિયર થયો છે, બાકી પાકિસ્તાનને સિંધુ જળ સંધિ અંગેની ચિંતા આજે પણ સતાવી રહી છે. જ્યાં સુધી તેઓ આપણા વિરોધમાં છે ત્યાં સુધી આ બાબતે તેઓ કંઇ પણ નહીં કરી શકે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિને રોકવાની કોશિશ કરશે. જો તે આમ નથી કરતું તો સિંધુ જળ સંધિ ક્યાંક ને ક્યાંક તેને નુકસાન કરશે. એક વાત યાદ રાખવા જેવી છે કે હાલમાં પાકિસ્તાનમાં ખારેકના પ્લાન્ટિંગની સિઝન શરૂ થવાની છે, પણ પાણીની ગેરંટી નથી. 3 દિવસ સુધી પાણી ન આવે અને ચોથા દિવસે પૂર આવી જાય. ફરી 2 દિવસ પાણી ન આવે અને પછીના દિવસે એકદમથી પાણી છોડી દેવામાં આવે. આવામાં તે લોકો શું કરે અને કેવી રીતે એને મેનેજ કરે? સવાલઃ શું આવનારા દિવસોમાં આપણી રણનીતિમાં ફેરફાર કરવો જોઇએ? જવાબઃ આ વિશે મારે કંઇ ન બોલવું જોઇએ. 2016માં ઉરી હુમલા બાદ આપણી રણનીતિ અલગ હતી. 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે રણનીતિ અલગ હતી. આ વખતે અલગ છે. ભવિષ્યની વાત lsમને ખબર હશે કે જેમણે પ્લાનિંગ કરવાનું છે. સવાલઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ત્યાંના લોકોની માનસિકતામાં શું ફેર પડ્યો છે? જવાબઃ જમ્મુ-કાશ્મીરમાં મોટા ભાગના લોકોનું માનસ બદલાયું છે, પણ કેટલાક એવા છે, જેનામાં ફેર નથી પડ્યો. આવા લોકો હજુ પણ પૈસા માટે અથવા વિચારધારા માટે પાકિસ્તાન તરફ જુએ છે. ફક્ત જમ્મુ-કાશ્મીર જ નહીં, પરંતુ આખા ભારતમાં તમને એવા લોકો મળશે, જે ભારતીયો સાથે નહીં, પરંતુ તેનાથી વિરુદ્ધ દિશામાં હોય. કાશ્મીરીઓને ખબર છે કે જો તેમણે વિકાસ કરવો હશે, આગળ વધવું હશે, બાળકોને સારુ શિક્ષણ આપવું હશે તો ત્યાંની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવી પડશે. તેમને એ ખબર છે કે ભારત જે ફેરફાર લાવ્યું છે એનાથી ફાયદો થયો છે. ક્યાંય પથ્થરબાજી નથી થઇ, ક્યાંય હડતાળ નથી થઇ, બંધ નથી પળાયો. પહેલગામ હુમલા પછી શું કોઇ પાકિસ્તાની ઝંડા દેખાયા? જો આવું કંઇ નથી તો આ બદલાવ આખા ભારતે જોયો છે. સવાલઃ સીઝફાયર બાદ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા પ્રોપગેન્ડા અંગે તમારું શું કહેવું છે? જવાબઃ રાજકીય વાતમાં હું વચ્ચે નહીં આવું. સરકારે બહુ સમજીવિચારીને નિર્ણય લીધો હતો. આપણો મુખ્ય દુશ્મન પાકિસ્તાન નથી, ચીન છે. પાકિસ્તાન સામે લડતા રહેવાથી કોઇ ફાયદો નથી. જ્યારે સરકારની આટલી પ્રશંસા થાય છે ત્યારે વિપક્ષ તો રડશે જ. જો કોઇ સારું કરશે તો બીજા લોકો એવું કહેશે આ ખોટું છે. આ રાજકારણ છે, તેમનું કામ જ આ છે. સવાલઃ યુવાનોને શું સંદેશ આપવા માગો છો? જવાબઃ આજકાલના યુવાનો સોશિયલ મીડિયા પરથી પોતાનું મંતવ્ય ઘડે છે. સોશિયલ મીડિયાનો એક હથિયારની જેમ દુરુપયોગ થઇ રહ્યો છે. ભારત પાસે સોશિયલ મીડિયા પર કાબૂ રાખવા માટેની કોઇ સિસ્ટમ નથી. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દર વર્ષે 2 કે 3 ઇન્ટર્નશિપ પ્રોગ્રામ યોજે છે. દરેક પ્રોગ્રામમાં અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ આવે છે. તેમને એવું શીખવાય છે કે ક્રાઇસિસ દરમિયાન આર્મીની શાખ કેવી રીતે બચાવવી. સોશિયલ મીડિયા પર જે જુઠ્ઠાણાં આવી રહ્યાં છે એ પાકિસ્તાનના અમુક હેન્ડલ્સ પરથી જ નખાય છે, બાકી તેના સોશિયલ મીડિયા ગ્રુપના મેમ્બર્સ તેને સપોર્ટ કરે છે. આ સપોર્ટ જોઇને આપણને એવું લાગે કે આ સત્ય છે. સત્ય આપણને ફક્ત ભારતીય સેના, સંરક્ષણ મંત્રાલય અને ઓફિશિયલ હેન્ડલ્સ પરથી જ જાણવા મળે છે. જો તમે જુઠ્ઠાણાંને સાચું માની લેશો તો તમે પોતાના જ દેશના વિરુદ્ધ થઇ જશો. આમનો ઇરાદો એ જ છે. સેના બોર્ડર પર છે, આપણે અંદર છીએ. આપણું કામ છે સારા નાગરિક બનવાનું અને જે બોર્ડર પર છે તેના પરિવારનું ધ્યાન રાખવાનું. તેમને સપોર્ટ કરવો જોઇએ. તેમને જે મદદ કરી શકીએ એ કરવી જોઇએ.
અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે:પાટનગરના સૌથી મોટા તળાવ સાથે 707 કરોડ રૂપિયાના 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આજે શનિવારે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મહાનગરપાલિકા અને ગુડા દ્વારા હાથ ધરાયેલા 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. આમાં 575.43 કરોડ રૂપિયાના 45 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સામેલ છે. ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 168 કરોડના 15 પ્રોજેક્ટ, દક્ષિણ વિસ્તારમાં 321.50 કરોડના 22 પ્રોજેક્ટ અને બંને વિસ્તારને આવરી લેતા 85.26 કરોડના 8 પ્રોજેક્ટ હાથ ધરાશે. મુખ્ય પ્રોજેક્ટમાં સેક્ટર-22 પંચદેવ મંદિરથી સેક્ટર-21 સુધીનો 16.46 કરોડનો અંડરબ્રિજ અને કોલવડા ખાતે 11.52 કરોડના ખર્ચે નિર્માણ થયેલું તળાવ સામેલ છે. નવા અંડરબ્રિજથી સેક્ટર-21થી સેક્ટર-22માં સીધા જઈ શકાશે ગાંધીનગરની વધતી વસ્તી સાથે ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે. સેક્ટર-21 શહેરનું સૌથી મોટું માર્કેટ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. સેક્ટર-22 શહેરની મધ્યમાં આવેલું છે. બંને સેક્ટર વચ્ચે વાહનોની અવરજવર વધુ રહે છે. આથી પંચદેવ મંદિરથી સેક્ટર-21 તરફના માર્ગ પર ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. નવા અંડરબ્રિજથી સેક્ટર-21થી સેક્ટર-22માં સીધા જઈ શકાશે. આનાથી ચ-રોડ પરના ટ્રાફિકની સમસ્યા ઘટશે અને હજારો લોકોને લાભ થશે. કોલવડાનાં 11.52 કરોડના ખર્ચે તળાવનું નિર્માણ કરાયું એજ રીતે કોલવડાનાં તળાવની વાત કરીએ તો રૂ. 11.52 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાયું છે. આ તળાવ ગાંધીનગરનું અત્યાર સુધીનું સૌથી મોટું તળાવ છે. આ અંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે, કોલવડા નિર્માણ કરાયેલ તળાવ નગરજનો માટે પીકનીક સ્પોટ સાથે આકર્ષણનું કેન્દ્ર રહેશે. કેમકે અહીં ચારે તરફ બ્યુટીફીકેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ કોર્ટ, આઉટ ડોર ગેમ્સ સહીતની સુવિધાઓ ઉભી કરાઈ છે. ખાસ કરીને અહીં એક કિ.મી લાંબો વોક - વે પણ બનાવવામાં આવ્યો છે. આ તળાવની બીજી વિશેષતા જોઈએ તો, તેને ગટરના ટ્રીટૈડ પાણીની ભરવામાં આવશે. મેઇન ગટરની લાઇન સાથે STP થકી તળાવ બારેમાસ પાણીની ભરેલ રહેશે. ઉપરાંત એક આઉટલેટ સીધો કેનાલની લાઈન સાથે આપવામાં આવ્યો છે. જેથી કોઈ વખત તળાવ ઓવર ફ્લો થાય તો વધારાનું પાણી સુધી કેનાલમાં પહોંચતું કરી દેવાશે.
‘GPSC પરીક્ષામાં ચોક્કસ જાતિના લોકોને પાસ કર્યા’:OBC-SC-STના વિદ્યાર્થીઓને અન્યાય, માર્ક્સમાં ભેદભાવ; બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન આક્ષેપ
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2020/23માં શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચુકેલા માંગીલાલ પટેલે GPSC પરીક્ષામાં લાલિયાવાડી થયાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થી સાથે થયેલા અન્યાય અંગે તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત ક્લાસ વન કેડરની GPSCની મૌખિક પરીક્ષા દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી GPSCની પરિક્ષામાં ગેરરીતિ થઇ હોવાની વાતોએ જોર પકડ્યું છે. બે દિવસ પહેલાં જ ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ભાજપના જ નેતા હરિભાઇ ચૌધરીએ GPSCના ચેરમેન હસમુખ પટેલ પર અન્યાય અને પક્ષપાતનો આરોપ લાગ્યો હતો. તેમણે CMને પત્ર લખી GPSCના મૌખિક ઇન્ટરવ્યૂમાં ચોક્કસ સમાજના લોકોને વધુ માર્ક અપાતા હોવાનું જણાવ્યું હતું. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને હરિભાઇ ચૌધરીના જવાબ. GPSC પરીક્ષામાં OBC-ST-SC ઉમેદવારો સાથે અન્યાય ત્યારે ફરી આ વિવાદે જોર પકડ્યું છે. આ મુદ્દે બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલના જણાવ્યા મુજબ, OBC, ST અને SC વર્ગના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં 100માંથી માત્ર 20થી 50 માર્ક્સ આપવામાં આવ્યા. જ્યારે ઓપન કેટેગરીના ઉમેદવારોને 60થી 90 જેટલા માર્ક્સ આપવામાં આવ્યા. લેખિત પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવનાર ઓપન કેટેગરીના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં વધુ માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યા છે. મૌખિક પરીક્ષામાં માર્કિંગમાં ભેદભાવનો આક્ષેપ પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે આ કૌભાંડની તપાસની માગ કરી છે. તેમણે GPSC બોર્ડના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને બોર્ડ મેમ્બર્સને તાત્કાલિક બરખાસ્ત કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રક્રિયા બંધારણનો અનાદર છે અને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની ચેતવણી તેમણે ચેતવણી આપી છે કે, જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવશે. તેમણે માગ કરી છે કે જાતિભેદ વગર, ગુજરાતના હિતમાં કામ કરનારા અને મહેનતુ વિદ્યાર્થીઓના હિતમાં વિચારનારા લોકોને આ મહત્વના હોદ્દા પર નિયુક્ત કરવા જોઈએ. આ પણ વાંચો 'GPSCમાં સફળ થવા કોચિંગની જરૂર નથી', હસમુખ પટેલની મોકળા મને વાત
મહિલા સરપંચના પતિ સહિતના મળતિયાઓનું કૌભાંડ:90 લાખની ગ્રાન્ટ મનસ્વી રીતે વાપરવા ‘નકલી પાણી સમિતિ’
મેહુલ મેકવાન આણંદ પાસેના કાસોર ગ્રામ પંચાયતમાં રૂપિયા 90 લાખના કૌભાંડનો વિવાદ સપાટી પર આવ્યો છે. જેમાં વહીવટકર્તા મહિલા સરપંચના પતિ અને તેમના મળતિયાઓ દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રૂપિયા 90 લાખની ગ્રાન્ટનો (દુર)ઉપયોગ કરવા સારૂં કાગળ પર જ પાણી સમિતિ બનાવી દઈ બારોબાર 12 પૈકી 10 સભ્યોની ડમી સહી કરી દેવાઈ હતી. રસપ્રદ બાબત તો એ હતી કે, પાણી સમિતિની જે દરખાસ્ત કરવામાં આવી હતી, તે દરખાસ્ત કરનારા પંચાયતના સભ્ય પણ સમગ્ર બાબતથી અજાણ હોવાનું ખૂલ્યું છે. આ સમગ્ર બાબતનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, નિયમ પ્રમાણે વાસ્મો દ્વારા જ્યારે પણ કોઈ પણ ગામમાં પાણીને લગતું કામકાજ શરૂ કરવામાં આવે ત્યારે પાણી સમિતિ બનાવવાની હોય છે. સરકાર દ્વારા હાલમાં આ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે અંતર્ગત આણંદ પાસેના કાસોર ગામને રૂપિયા 90 લાખની ગ્રાન્ટ મળવાપાત્ર હતી. જેની જાણ મહિલા સરપંચના પતિ, તલાટી સહિત અન્ય તેમના મળતિયાઓને થતાં જ તેઓ દ્વારા પાણી સમિતિની રચના માટેના ઠરાવનો નમુનો, ગ્રામ્ય જળ અને સ્વચ્છતા સમિતની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત 28મી જાન્યુઆરી, 2022ના રોજ કાગળ પર જ એક બેઠક બોલવી દેવામાં આવી હતી. જેમાં ગ્રામસભાના ઠરાવની ભલામણોને ધ્યાનમાં લઈને અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. કાસોર ગ્રામ પંચાયતના હાલના મહિલા સરપંચ તેમજ તલાટી કમ મંત્રીની મીલી ભગતથી ખોટા ઠરાવ તથા 12 પૈકી 10 સભ્યોની ખોટી સહીઓ કરી દેવામાં આવી હતી. વધુમાં જે સભ્ય દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી, તે સભ્ય પણ સમગ્ર બાબતથી અજાણ હોવાનું ખૂલ્યું હતું. આમ, સરકાર તરફથી આવેલી ગ્રાન્ટનો મનસ્વી રીતે ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઊહાપોહ હાલ સમગ્ર ગામમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે તાજેતરમાં જ જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે. હું અંગ્રેજીમાં સહી કરું છું, પણ ઠરાવમાં મારી ગુજરાતીમાં કરી છે ગામમાં અંધેર વહીવટ ચાલે છે. પાણી સમિતિની બેઠક ક્યારે મળી અને ક્યારે આ બધા નિર્ણય લેવાયા તે અમને જાણ જ નથી. જ્યારે મારી સમક્ષ ઠરાવનો પત્ર આવ્યો ત્યારે મારી સહી જોઈને જ હું ચોકી ગઈ હતી. હું અંગ્રેજીમાં સહી કરું છું અને ઠરાવપત્રમાં જોયું તો મારી ગુજરાતીમાં સહી હતી. - મીનાબેન બીપીનભાઈ પટેલ, સભ્ય. તલાટી કે સરપંચ ઠરાવ બુકમાં ઠરાવો લખતા જ નથી (હેડીંગ) મારી પત્ની પંચાયતમાં સભ્ય છે, પણ હું ગામના દરેક કામમાં દેખરેખ રાખતો હોઉ છું. સામાન્ય સભા હોય કે ગ્રામ સભા હોય ક્યારેય તલાટી કે સરપંચ ઠરાવ બુકમાં ઠરાવો લખતા જ નથી. ચર્ચા વિચારણા મુજબ થયેલા મુદ્દા અલગ રીતે લખતા હોય છે અને ક્યારેક કોરા કાગળ છોડીને બીજા મુદ્દાઓ પણ ઉમેરવામાં આવે છે. – રાજુભાઈ પટેલ, પૂર્વ સરપંચ. ગામમાં પાણીનો કોઈ પ્રશ્ન જ નથી છતાં પ્રશ્ન ઉભો કરાયો છે (હેડીંગ) હાલમાં ગ્રામ પંચાયત દ્વારા સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટને લઈને જે પાણી સમિતિ બનાવી ડમી સહીઓ કરી દેવામાં આવી છે તે અંતર્ગત અમે પંચાયતના સભ્ય તરીકે એટલું કહીશ કે ગામમાં રાત્રિના 11 વાગ્યા સુધી પાણી આવે છે. પાણીની કોઈ સમસ્યા નથી. અનેક સળગતા પ્રશ્ન છે, જેની કોઈ ચર્ચા થતી નથી. પંચાયતના કોઈ પણ વહીવટી ખર્ચા વિશે મીટીંગમાં કઈ પણ પ્રકારની ચર્ચા કરવામા આવતી નથી. તલાટી સરપંચ સાથે મળીને ચાલુ સભામાં સભ્યોની બહુમતિમાં સહી ન કરવા પણ દબાણ કરતા હોય છે. – ભાસ્કરભાઈ પટેલ, સભ્ય. દરખાસ્ત મુકનારા સભ્ય જ જાણ બહાર પાણી સમિતિમાં દરખાસ્ત ગ્રામ પંચાયતના સભ્ય શ્રીકાંત પટેલ દ્વારા મુકાઈ હતી. જોકે, આ મામલે તેઓએ જણાવ્યુ હતું કે, મને તો ખબર જ નથી કે, આ બેઠક ક્યારે મળી હતી. સમગ્ર દરખાસ્ત મારા દ્વારા મુકાઈ છે એ જ્યારે ઠરાવ પત્ર હાથમાં આવ્યો ત્યારે જાણ થતાં જ મેં વિરોધ નોંધાવ્યો હતો. હું અંગ્રેજીમાં સહી કરું છું, પણ ઠરાવમાં ગુજરાતીમાં સહી હતી હું અંગ્રેજીમાં સહી કરું છું અને ઠરાવપત્રમાં જોયું તો મારી ગુજરાતીમાં સહી હતી. > મીનાબેન બfપીનભાઈ પટેલ, સભ્ય.
સાબરમતીને સાફ કરવાની પ્રક્રિયા:સાબરમતી નદીમાં સફાઈ માટે પાણી ખાલી કરવામાં આવતા રેતીમાં સમાન કદના ખાડા રચાતા કુતૂહલ સર્જાયું
અમદાવાદમાં સાબરમતીને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું છે. પાણી ખાલી થયા બાદ નદીના તળીયેથી ચોક્કસ પ્રકારના નાના આકારના ખાડા જોવા મળી રહ્યાં છે. જેને લઇને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ખાડા મુદ્દે પીડીઇયુના રિસર્ચ વિભાગના ડીન પ્રો. ભવાનીસિંગ દેસાઇએ જણાવ્યું કે, જ્યારે નદીમાંથી એક સાથે પાણી છોડવામાં આવે ત્યારે પાણીમાં આ પ્રકારના નાના ખાડા સર્જાય છે. માછલી ઘર જેવું નથી, કારણ કે ખાડાના સ્ટ્ર્ક્ટર અને આકાર એક સમાન નથી. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના મરીન સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.આઇ.આર.ગઢવીએ જણાવ્યું હતું કે, કોઇ પણ રેતીવાળી નદી કે દરિયાઇ કાંઠા પર કેટલાક જીવો રહેતા હોય છે, જેને મૃદુકાય જીવ કહેવાય છે. જેમાં શંખ અને છીપલાનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્તરકવચી જીવો પણ આ પાણીમાં હોય છે જેમાં જિંગા અને કરચલાનો સમાવેશ થાય છે. આ જીવો તળીયે રહેતા હોય છે જે પોતાને સંતાવવા માટે કે સુરક્ષા માટે તેમજ સાથે ખોરાક પકડવા માટે આવા ખાડા તળીયે કરતા હોય છે. દરિયા કાંઠે પણ આ પ્રકારે ખાડા જોવા મળે છે લક્ષદ્વીપમાં આની નોંધણી પણ કરવામાં આવી છે.
ભાસ્કર એક્સક્લુઝિવ:‘અલ નમરાહ’ જહાજ 9 માસથી માંડવી તટે ફસાયેલું
માંડવીમાં 2024ના ઓગસ્ટના અંતમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, રૂક્માવતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. પોર્ટ પર એન્કર પર લંગરાયેલું “અલ નમરાહ’ નામનું જહાજ તણાઈ ગયું હતું. જહાજ કાશી વિશ્વનાથ બીચ તટે જઈને ગ્રાઉન્ડ થયું હતું જો કે, કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ જહાજ બહાર કાઢવા માટે મદદ ન મળતા ઓફ સિઝન આવતા કરોડોની કિંમતનું જહાજ સમુદ્રી મોજાની થપાટથી તૂટી પડશે. જહાજના માલિક રિયાજ જબ્બાર સોઢાએ પોતાની રીતે જહાજ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મોટો ખર્ચ કર્યો છતાં સફળતા મળી નહીં. જહાજ ગ્રાઉન્ડ થયાને નવ મહિના થઈ ગયા છે. માલિક સરકાર, કોસ્ટગાર્ડ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અદાણી પોર્ટ સહિત મુખ્યમંત્રી સુધી મદદની અપીલ કરી ચૂક્યા છે છતાં હજુ સુધી કોઈ બચાવ કાર્ય કરવામાં આવ્યું નથી. “અલ નમરાહ’ MSV જહાજ BDI 1484 વેરાવળ ખાતે 2023માં બનાવાયું હતું. તેની કેપેસિટી 2000 ટન છે. પ્રથમ મુસાફરી મુન્દ્રા પોર્ટથી કરવી હતી. સમુદ્ર માર્ગે નીકળતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. માંડવી પોર્ટ નજીક હોવાથી સમારકામ માટે અહીં લવાયું હતું. 29 ઓગસ્ટ 2024ના રોજ ભારે વરસાદ પડતા જહાજ તણાઈ ગયું હતું અને બે નોટિકલ માઈલ દૂર કાશી વિશ્વનાથ તટે જઈને ગ્રાઉન્ડ થયું હતું. દરિયાઈ ઓફ સિઝન નજીક આવી રહી છે. જેથી દરિયો રફ બનશે, મોજા ઉછળશે, જેના કારણે જહાજ તૂટી શકે તેવી સ્થિતિ છે. કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. જહાજ બહાર નીકળશે તો બચશે અને બહાર નહીં નીકળે તો માલિક કર્જમાં ડૂબી જશે. જહાજનો બચાવ ન થયો હોવાનો અફસોસ: કચ્છી વહાણવટી એસોસિએશન કચ્છી વહાણવટી એસોસિએશનના પ્રમુખ આદમ થેમ અને તેમની કમિટીઓ દ્વારા ગ્રાઉન્ડ થયેલા જહાજને બહાર લઈ આવવા માટે સ્થાનિકેથી લઇને ઉચ્ચ કક્ષા સુધી પત્ર વ્યવહાર કરવામાં આવ્યા છે, જેને નવ માસ થવા આવ્યા હજુ સુધી બચાવ કાર્ય ન થવાનો અફસોસ એસોસિયેશન દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે. સમુદ્રમાં તરતા જહાજને બચાવી શકાય : પોર્ટ ઓફિસર માંડવી પોર્ટ સામે કિનારે જહાજ ગ્રાઉન્ડ થવાથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બચાવ કાર્ય અંગે તપાસ કરાતા સમુદ્રમાં તરતા જહાજને બચાવી શકાય, રેતીમાં ખૂંપી ગયેલા જહાજને ટગ દ્વારા બહાર લાવવાના પ્રયત્નો કરવામાં આવે તો જહાજના પાટિયા તૂટી જાય એમ પોર્ટ ઓફિસર આર.સી. પટેલે કહ્યું હતું. નવું બનેલું જહાજ એકપણ ટ્રીપ મારે તે પહેલા રેતીમાં ખૂંપી ગયું 2023માં નવું બનેલું બે હજાર ટન કેપીસીટીનું જહાજ એકપણ ટ્રીપ માલ પરિવહન કરે તે પહેલા 2024માં વરસેલો અતિ ભારે વરસાદ વેરી બનતા કરોડોની કિંમતનું જહાજ રેતીમાં ખૂંપી જતા કોઈ મદદ મળી રહે તો જ જહાજ બહાર આવી શકે તેમ છે.
Gjb
ReplyDelete